- આપણે તો ગામડાનો આનંદ માણ્યો અને શહેરની હવાય લીધી.
- આપણે દેશી નળિયાની ઠંડી હવાય માણી જોઇ અને ધાબાવાળા મકાનનો બફારો પણ માણી જોયો.
- આપણે ફળિયામાં ખાટલામાં સુઇ ખુલ્લા આકાશની અનુભૂતિ કરી લીધી અને પલંગમાં સુવાનો આનંદ પણ માણી લીધો.
- થીગડાવાળા કપડા પહેરવાનો અને ફેશનેબલ કપડા પહેરવાનો અનુભવ પણ કરી લીધો.
- આપણે ગામડાની દેશી રમતો રમવાનો આનંદ માણી લીધો અને વિડીયો ગેમ પણ જોઇ લીધી.
- આપણે તળાવમા નાહવાનો આનંદ માણી લીધો અને વૉટર પાર્કનો અનુભવ પણ કરી લીધો.
- આપણે તો સાઇકલના બે ડાંડિયા વચ્ચે પગ નાખી સાઇકલ ચલાવવાનો આનંદ માણ્યો અને ટુ વ્હીલ , ફોર વ્હીલ અને પ્લેનની મુસાફરીની સફર પણ માણી જોઇ.
- ફાનસના અજવાળા જોઇ લીધા અને લાઇટના અજવાળા પણ જોયા.
- આપણે ગામડામાં ભજવાતી ભવાઇઓ જોઇ લીધી અને ટી.વી.ના પડદા પર ભજવાતા ડ્રામા પણ જોઇ લીધા.
- આપણે ગામડાની સરકારી શાળાનો અને શહેરની સ્કૂલોમાં ભણતરનો અનુભવ કરી લીધો.
- આપણે ગામડામાં ગાડામા બેસી જાનમા જવાનો આનંદ પણ માણી લીધો અને બગીમા બેસી પણવા જતા લગન પણ જોઇ લીધા.
- આપણે ચોમાસામા કોથળાના માસલા પહેરી વરસાદનો આનંદ માણી લીધો અને છત્રીમા વરસાદની આવતી ઝણનો અનુભવ પણ કરી લીધો.
- આપણે માથે બેડુ લઇ ગામ પાદરે કુવે પાણી ભરવા જતી પનીહારીઓનેય જોઇ અને નળમા પાણી ભરતી બાઇયુનેય જોઇ.
- આપણે બળદથી થતી ખેતી જોઇ અને ટેકટરથી થતી ખેતી પણ જોઇ.
- આપણે ગમાણે બાંધેલા પશુઓથી ધબકતા આંગણા પણ જોઇ લીધા અને પશુઓ વિનાના આંગણા પણ જોઇ લીધા.
- આપણે છુટી ધોતી , પાઘડી અને સોણી- કેડિયા પહેરેલા વડીલોનેય જોયા અને ભરત ભરેલા અને કાપડા પહેરેલી માવડીઓને પણ જોઇ.
- આપણે ઢોરા ચારવાનો , બોરા વીણવાનો , બાવળના પૈડા – ખીજડાની સીંગો અને આંબલીનો મોર ખાવાનો આનંદ માણ્યો અને રેડીમેડ વસ્તુ ખાવાનો અનુભવ પણ કરી લીધો.
- આપણે તળાવની પાળે અને કુવાના થાળે બેસી મોજ મસ્તીનો આનંદ અને કુવામા ડેગડી ચડાવવાનો આનંદ માણી લીધો.
- સોસાયટીના નાકે બાકડે બેસવાનો અનુભવ પણ કરી લીધો
- કપાસના જીંડવા ચુસવાનો આનંદ પણ માણી લીધો.
- આપણે પૂર્ણ વસ્ત્રો પહેરી ઘુમટો તાણી કામ કરતી માવડીઓને પણ જોઇ અને ફેશનેબલ કપડા પહેરી ઉઘાડા માથે ફરતી નારીઓ પણ જોઇ.
- આપણે ધરધંટીએ અનાજ દળતી માવડીઓને જોઇ અને માથે દળણાની પેટી મુકી ઘંટીએ દળાવા જતી બાઇઓ પણ જોઇ.
- તળાવના કુવે કપડા ધોતી માતાઓને પણ જોઇ અને વૉશીંગ મશીનમા કપડા ધોતી બાઇઓને પણ જોઇ.
આપણે
ગોફણ , જોતર,
છીંકલા, ખરપિયો, જીંહલુ, સલાખા,
મોદ, બુંગણ, કલમ, ખડિયો, ઘોડાગાડી,
ગાગર, બોઘણુ, ગોળી, છીછણિયુ , ઇંઢોણી, હેલ, બુઝારુ, દોહણુ, કળશો, ફાનસ, સરૂડી, ચૂલો, તાવડી, ડોલસુ, સંજવારી, વાસીદુ, સાંતી, જોહરુ, રાંઢવુ આપણે જોયા છે, નવી પેઢીને તો આવા શબ્દો માત્ર ડિક્શનરીમા જોવા મળશે.
આપણે જીવનમા ઘણી આફતો પણ જોઇ.
જેમ કે 74 નું નવ નિર્માણ ,
82/83 નું પુર હોનારત ,
81,85 ના તોફાનો ,
86-87 90નો દુષ્કાળ ,
98 નું વાવાઝોડુ,
સુરતનો પ્લેગ,
સુરત પુર હોનારત,
2001 નો ધરતી કંપ,
2002 ના તોફાનો..
અને બાકી હતુ તો Covid-19 જોયુ.
કદાચ આ યુગની આ અંતિમ પેઢી હશે જેને એક ભવમા બે ભવનો અનુભવ થયો હોય.
ભલે આધુનિક બધુ ખરાબ નથી એમ જુનુ પણ બધુ ખરાબ નથી.
સમય બદલાય છે.
જુની પેઢીના કંઇક લોકોએ દેશ અને વિદેશનો પણ અનુભવ કરી લીધો.
આજે ઘરમા બેઠા બેઠા જુની બે વાતો કરી પરિવાર સાથે શેર કરો.
સંકલન: હેમંત ગાંધી
Discover more from 9Mood
Subscribe to get the latest posts sent to your email.
0 Comments