મોંઘુ એટલે હલકી ગુણવત્તાનું: માર્કેટ ડ્રીવન ઇકોનોમિનો નવો નિયમ (જે કેટલીક વાર લાગુ પડે છે)
સુચના: આ લેખ આ સવાલનો જવાબ નથી. બસ આ મુદ્દે મારા વિચારો મૂકવા આ પ્રશ્નને વાપર્યો છે.
તમે ક્યારેય હેઝલન્ટ્સ ચાખ્યા છે? સ્વાદ માં કંઈ ખાસ હોતા નથી. અને તોય કાજુ કરતા ક્યાંય મોંઘા. જ્યારે ખરેખર તો કાજુ દુનિયાનો સૌથી સ્વાદિષ્ટ સુકો મેવો છે.
ડ્રેગનફ્રૂટ તો સ્વાદમાં સાવ બેકાર અને તોય કેસર કેરી કરતા મોંઘુ?
આવું કેમ?
Cashew Fruit – growing on the tree
એનું કારણ એ કે કાજુ અને કેરી એવી આઈટમો છે જેના સ્વાદિષ્ટ હોવા વિષે કોઈને શંકા નથી. અને એટલે માણસજાતે સેંકડો વર્ષ અને કરોડો રૂપિયા આ પાકોને વિકસાવવા માટે ખર્ચી કાઢ્યા છે. કાજુ અને કેરી ને ઉગાડવા માટે દર વર્ષે ડ્રેગન ફ્રૂટ કરતા અનેક ગણા વધુ જમીન, પૈસા અને મહેનત દાંવ પર લગાવાય છે, કારણ કે ખેડુતોને ખાતરી હોય છે કે આ પાક બજારમાં જરૂર વેચાશે. આને લીધે આ પાકોની બજારમાં એક સ્થીર અને ભરોસેમન્દ સપ્લાય ઉભી થઇ છે. અને તેથી જ તે નોવેલટી આઈટમો કરતા સસ્તા છે.
જો રશિયન કાવિયાર ખરેખર જેટલું ઢોલ નગારા પીટીને કહેવાય છે એટલું સ્વાદિષ્ટ હોત તો ભારત જેવા ગરમ દેશોના ફૂડ સાયન્ટિસ્ટોએ અત્યાર સુધી તો એને અહીં પકવવાની કોક રીત શોધી જ કાઢી હોત. જેમ અમૂલે વાછરડાના રેનેટ વગર ચીઝ બનાવવાની કળા શોધી કાઢી તેમ. આટલી તસદી હજી આપણે લીધી નથી એજ એ વાતની સાબિતી છે કે કાવિયારમાં કંઈ કાઢી લેવાનું નહિ હોય.
અમુક આઈટમો રેર/વિરલ હોય છે કારણકે એ રેર હોવાને જ લાયક છે. જે આઇટમો ખરેખર ઉચ્ચ ગુણવત્તાની હોય, બજાર હંમેશા એને માસ પ્રોડ્યુસ કરવાની યુક્તિ શોધી જ લે છે. દસ રૂપિયાની બોલપેન બસો રૂપિયાની ફાઉન્ટન પેન કરતા સત્તર દરજ્જે ચઢિયાતી પ્રોડક્ટ છે. અને એટલે જ બધે મળે છે, અને આટલી સસ્તી મળે છે.
ઘણીવાર અમુક ટોપીબાજ વિક્રેતાઓ આપણને મોંઘી આઈટમ એમ કહીને વળગાડવાનો પ્રયત્ન કરે છે કે “સારી હશે તો જ આટલી મોંઘી છે ને!” જ્યારે ખરેખર એ ગુણવત્તામાં ઉતરતી હોવાને લીધે રેર, અને રેર હોવાને લીધે મોંઘી હોય છે. આપણા માંથી ઘણાને આમેય વસ્તુની ગુણવત્તા ભાવ થી સ્વતંત્ર રહીને આંકતા આવડતું જ નથી એટલે ભાવ એક માત્ર ગુણવત્તાનો સૂચક બની રહે છે. અને એટલે જ માર્કેટ માં ચાલુ ગુણવત્તાની પણ અત્યંત મોંધી બ્રાન્ડ્સ ના સત્તર આશિકો કૂટાતા ફરે છે.
સ્ત્રોત: © અભિષેક સોની – Quora પર થી…
Discover more from 9Mood
Subscribe to get the latest posts sent to your email.
0 Comments