શહેરના બજારમાં સંતરાં વેચતી ડોસી પાસેથી એ યુવાન હમેશાં સંતરાં ખરીદતો.
સંતરાં ખરીદીને એની થેલીમાં નાખતા પહેલાં એમાંથી એક સંતરાની પેસીને સહેજ ચાખીને એ કહેતો
“અરે ડોશીમા,જુઓ તો, આ સંતરું ખાટું છે !“
ડોશી એમાંથી એક પેસી ચાખીને ચમકીને કહેતી ,” જા રે બાબા, આટલું બધું મીઠું તો છે આ સંતરુ ! ”
થોડું છોલેલા એ સંતરાને ડોશી પાસે જ છોડીને એ હસમુખો યુવાન બાકીનાં સંતરાં લઈને આગળ ચાલ્યો જતો !
એની પત્નીએ આખરે એક દિવસ એને પૂછ્યું:
”ડોશીમાનાં સંતરાં તો હંમેશાં મીઠાં જ હોય છે, તો ય તમે દરેક વખતે ચાખવાનું નાટક કેમ કરો છો ?”
પતિએ મુખ પર સ્મિત સાથે કહ્યું:
” એ સાચું છે કે ડોશીમા હમેશા મીઠાં સંતરાં જ વેચે છે,પણ એ પોતે સંતરાં ખાવા પામતી હોય એમ મને લાગતું નથી.એટલે આવુ નાટક કરીને રોજ એને એક સંતરું ખવડાવવું મને બહુ ગમે છે !”
સંતરાંવાળા ડોશીમાની બાજુમાં બેસતી બાઈ એ ડોસીમાં ને પૂછ્યું:
” સંતરાં ખરીદવા આવતો પેલો જક્કી છોકરો રોજે રોજ ચાખ ચાખ કરે છે, ને તોય તું સંતરાં તોલે ત્યારે હમેશાં એને એક બે સંતરાં વધારે આપી દે છે, આવું કેમ ?”
ડોશીમાએ કહ્યું :
” એ છોકરાના મનની વાત હું બરાબર જાણી ગઈ છું.રોજ એ સંતરૂ ચાખવાના બહાને એકાદ સંતરૂ અહીં મારા માટે મુકીને જાય છે.
એ સમજે છે કે હું એ સમજતી નથી, પણ મારા માટેના એના પ્રેમને હું ઓળખી ગઈ છું. એના આ પ્રેમના લીધે જ, એક મા ની જેમ , આપોઆપ મારાથી સંતરાં બાજુ ત્રાજવું નમી જાય છે !
ખરેખર, પ્રેમ ચેપી હોય છે.
જે આપશે એને મળશે જ!
સ્ત્રોત: ઈન્ટરનેટ પરથી…
Discover more from 9Mood
Subscribe to get the latest posts sent to your email.
0 Comments