પંખીઓ ઊડવાના ક્લાસ નથી ભરતાં ન માછલી સ્વીમીંગપુલ જાતી,
ખુશ્બુએ વાયરાનું ટ્યૂશન ક્યાં રાખ્યું છે, તો પણ એ કેવી ફેલાતી.
ભમરો વિશારદ નથી તોય ગાય, કહે ફૂલોને કાનમાં પતંગિયાં,
બેટરીનું સાદું વિજ્ઞાન નથી જાણતાં, તો પણ ચમકે શું આગિયા.
ઝરણાં એ પૂછીને ભુસ્કો ન મારતાં, કેટલીક મળવાની ખ્યાતિ,
ઝાડવાંઓ યોગાસન શીખ્યાં જ નથી, છતાં ઊભાં અઠંગ એક ચરણે.
કીડી મંકોડાને ચિંતા ક્યાં હોય છે, કોણ મારી દીકરીને પરણે.
ઈર્ષ્યા આવે દોસ્ત! એ રીતે ઊજવે છે એ લોકો એમની હયાતિ.
પર્વત પણ બી.એ.બી.એડ. નથી તોય એની વાદળ સુધીની છે પહોંચ.
માણસ શું શીખ્યા કે માણસાઈ લંગડાતી, મનમાં પહેરી જાણે મોચ.
આપણને નહીં, એ લોકોને જોઈને ઈશ્વરની છાતી ફૂલાતી.
ઈડરે ગુજરાતને આપ્યા એક કવિ – મનિષી શ્રી ઉમાશંકર જોષી અને બીજા કવિ મુકેશ જોશી. મુકેશ જોશીની કવિતા ઉપર લખી તેવી રમતિયાળ હોય છે, પણ હળવાશભરી ટકોર કરીને આપણા ચિત્તમાં ચિંતનના વમળો સર્જી જાય છે. શબ્દોનું સૌન્દર્ય માણી લીધા પછી એનો મર્મ પામવાનો પ્રયત્ન કરીએ ત્યારે હૈયામાં વેદનાની ટીસ ઊઠી આવે છે. સ્પિરીટ લગાડ્યા પછી ઈન્જેક્શનનો આછેરો ડંખ લાગે તેનો આપણને અનુભવ છે. એક્ઝેટલી, એ જ રીતે મુ. જો.ની રચના પણ આપણને ઝીણું ઝીણું, મીઠું મીઠું દર્દ આપી જતી હોય છે.
શિક્ષણનો એક પણ શબ્દ લખ્યા વગર આપણી નિષ્ફળ નીવડેલી શૈક્ષણિક નીતિ પર એમણે વેધક કટાક્ષ કર્યો છે. આમ તો આપણે સમજતા આવ્યા છીએ કે ઈશ્વરનું શ્રેષ્ઠ સર્જન એટલે માનવ. સૃષ્ટિનું સર્જન કરતા કરતા ભગવાનને પણ થાક લાગ્યો હશે એટલે પોતાની જ પ્રતિકૃતિ જેવા મનુષ્યનું સર્જન કરીને હાશ અનુભવી કે હવે પછી મારું કામ મારું લાડકું સંતાન, સંભાળી લેશે. પરંતુ, આપણી જેમ ભગવાનની આશા પણ ઠગારી નીવડી! લાડકા લોકો જ હંમેશાં વધારે પીડા આપતા હોય છે. પ્રકૃતિને જાળવવાની અને એને સુશોભિત રાખવાની અપેક્ષા જેની પાસેથી રાખી હતી, તે માણસે જ પ્રકૃતિનો વિનાશ કરી નાંખ્યો. દીકરો કપૂત નીવડે તેની વ્યથા કેવી હોય તેની ઈશ્વરને પણ સમજ પડવા લાગી હશે. કવિ જ્યારે એમ લખે કે, ‘આપણને નહીં, એ લોકોને (નિર્દોષ જીવ જંતુને) જોઈને ઈશ્વરની છાતી ફૂલાતી, ત્યારે ઈશ્વરનું શ્રેષ્ઠ સર્જન હોવાનો અને બુદ્ધિમાન હોવાનો દાવો કરનાર માનવ ભોંઠો પડી જાય તેમ છે.
માણસ બુદ્ધિશાળી હોવાથી ડગલે ને પગલે ફાયદાની ગણતરીઓ માંડતો જાય છે. બાળક જન્મે ત્યારથી એને કેળવવા માટે કેટ કેટલાંય આયોજનો કરે છે. પ્લેગૃપથી શરૂ કરી નર્સરી, પ્રાયમરી, સેકન્ડરી, હાયર સેકન્ડરી, હજારો જાતના ડિપ્લોમા અને સેંકડો પ્રકારની ઉપાધિ અને મહાઉપાધિઓ! સંગીત અને નૃત્ય તેમજ જીમ, સ્વિમીંગ, કરાટે, યોગાસન અને વ્યક્તિત્વ વિકાસના વર્ગો. અગણિત પ્રકારના વર્ગો ભર્યા પછી પણ માનવતા તો લંગડાતી જ રહી ગઈ છે. જિંદગીના અણમોલ વર્ષો અને ધૂમ નાણાં ખર્ચ્યા પછી પણ માણસમાં માણસાઈ આવતી નથી. માણસાઈ કેળવવાની વાત તો દૂર રહી, ઉલટાંનું ઊચ્ચ શિક્ષણ મેળવીને માણસાઈ ગુમાવવાની કટ્ટર હરિફાઈનો યુગ જાણે માનવસમાજમાં ચાલી રહ્યો છે. ‘માણસની ડિગ્રી જેટલી ઊંચી તેટલો તે વધારે ભયાનક!‘ એ સત્ય સાબિત કરવું પડે તેમ નથી. આ દેશને અભણોએ નથી લૂંટ્યો તેટલો ભણેલા લોકોએ લૂંટ્યો છે. સૃષ્ટિનો શણગાર બનવાની જવાબદારી ઈશ્વરે જેના માથે નાંખી હતી, તે માણસે જ સૃષ્ટિની ઘોર ખોદી છે. માણસ પ્રકૃતિને જરાયે વફાદાર રહ્યો નથી, આદમીસે જાનવર જ્યાદા વફાદાર હૈ!
કોઈપણ જમાના કરતાં આજે શિક્ષણ વધ્યું છે, દિવસે દિવસે શિક્ષણ મોંઘું બનતું જાય છે તેમ છતાં, શિક્ષણનો ક્રેઝ વધતો જાય છે. તકલીફ એટલી જ છે કે, શિક્ષણનો કોઈ વિશેષ પ્રભાવ માણસના જીવન પર દેખાતો નથી. ભણેલા અને અભણ, અગર ઉચ્ચ શિક્ષિત અને અલ્પ શિક્ષિત વ્યક્તિની જીવન શૈલી કે માનસિકતા વચ્ચે કોઈ તફાવત દૃષ્ટિગોચર થતો નથી. આજે જે કંઈ શિક્ષણ લેવામાં આવે છે તેનો એકમાત્ર હેતુ વધુમાં વધુ દ્રવ્યપ્રાપ્તિનો છે. કયા અભ્યાસક્રમાં જવાથી નોકરી જલદી મળી જાય તેમ છે, કઈ લાઈનમાં જવાથી વધારે ધનપ્રાપ્તિ થઈ શકે તેમ છે, કયો હોદ્દો અગર વ્યવસાય સૌથી વધારે પૈસા અને પ્રતિષ્ઠા મેળવી આપે તેમ છે, તેને ખ્યાલમાં રાખીને માણસ સમયનું અને પૈસાનું ઈન્વેસ્ટમેન્ટ કરે છે! આજનું શિક્ષણ એની દિશા ગુમાવી ચૂક્યું છે. શિક્ષણ એ ચોખ્ખેચોખ્ખો ધંધો બની ગયું છે. કોઈ પણ મિશન જ્યારે ધંધો બની જાય ત્યારે તેમાં ધંધાના તમામ અપલક્ષણો આપોઆપ આવી જાય છે. સારા માણસ બનવા માટે ભણવું જોઈએ, એ હેતુ હવે ભણનાર બાળક કે તેના પાલકનો રહ્યો નથી. મા બાપ એવું ઈચ્છે છે કે, પોતાનું બાળક ઊચ્ચ પદવી મેળવીને વધારેમાં વધારે ધન કમાય. સારા માણસો – જવાબદાર નાગરિકો તૈયાર કરવા માટે ભણાવવું જોઈએ એ હેતુ શિક્ષકનો પણ રહ્યો નથી. શિક્ષક ભણાવે છે આજીવિકા માટે. શિક્ષકના વ્યવસાય કરતાં અન્યત્ર વધારે કમાણીની તક મળે તો શિક્ષકત્વને છોડતાં જરાયે વાર નહીં લાગે! સંચાલકો શાળા કોલેજો ખોલે છે તે વિદ્યાપ્રેમને કારણે નહીં પણ અધિક કમાણીને માટે. (કેટલાંક સુખદ અપવાદો પણ છે.) બાળક, પાલક, શિક્ષક અને સંચાલકોનો શિક્ષણ પાછળનો હેતુ જ ઉમદા ન હોય તો શિક્ષણ અવગતે જ જાય, તેમાં કોઈ સંશય રહેતો નથી. વિદ્વાન અને લોકપ્રિય ચિંતક ડો. ગુણવંત શાહે લખ્યું છે કે શિક્ષણનો મેરુદંડ જ સડી ગયો છે. સત્ય તો એ છે કે વધારે ધન કમાવા માટે જિંદગીના મૂયવાન એવા આટલા બધા વરસો અને પૈસા બગાડવાની જરૂર જ નથી. અભણો અથવા અલ્પશિક્ષિતો, ભણેલા માણસો કરતાં વધારે કમાતા હોય એવા દાખલા શોધવા બહુ મહેનત કરવી પડે તેમ નથી. સમાજમાં અગણિત મનુષ્યો એવા મળી આવશે, જેમણે શાળામાં બહુ થોડું ભણતર લીધું હોય તેમ છતાં વધારે ધન, પ્રતિષ્ઠા અને સન્માન પ્રાપ્ત કર્યાં હોય. હમણાં જ પ્રગટ થયેલો એક સર્વે એવું જાહેર કરે છે કે સુડતાલીસ ટકા ગ્રેજ્યુએટો કોઈ પણ જાતનું કામ કરવાની પાત્રતા ધરાવતા નથી.
પેટ ભરવા માટે જ જો ભણવા જવાનું હોય તો જાનવરો આપણાં કરતાં શ્રેષ્ઠ ગણાય. પોતાનો ખોરાક એ પોતાની મેળે ગમે ત્યાંથી મેળવી લે છે એ શીખવા માટે કોઈ વર્ગો ભરવા ક્યાંય જવું પડયું નથી. આપણે મનુષ્યો જિંદગીનો લગભગ ત્રીજો ભાગ ભણવામાં ખર્ચી નાંખતા હોવા છતાં નોકરી ન મળ્યાનો કે જેવી જોઈતી હતી તેવી નોકરી ન મળ્યાનો અસંતોષ અને સંતાપ લઈને જીવીએ છીએ. જીવનમાં આપણી અપેક્ષા મુજબનું પરિણામ ન આવતાં આપણે બહુ જલદી હતાશ થઈ જઈએ છીએ. પરીક્ષામાં સારું ન લખી શકાવાથી, બોર્ડની પરીક્ષાનું રિઝલ્ટ સારું ન આવવાથી, પ્રેમી કે પ્રેમિકાએ વિશ્વાસઘાત કર્યો હોવાથી, નોકરીમાં પ્રમોશન ન મળવાથી આત્મહત્યા કરનારાઓમાં સ્કૂલના વિદ્યાર્થીઓથી માંડી સંશોધકો- વિજ્ઞાનીઓનો પણ સમાવેશ થાય છે. પ્રતિકૂળ પરિસ્થિતિમાં ખુમારીભેર ટકી રહેવાનું કે પરિસ્થિતિનો અડગતાથી સામનો કરવાની તાકાત આપવામાં આજનું શિક્ષણ નિષ્ફળ ગયું છે. આજનું શિક્ષણ સારા ટેકનિશ્યન પેદા કરી શકે છે, તેને માટે જરૂરિયાત મુજબ રોજ ‘સ્વનિર્ભર શૈક્ષણિક સંસ્થા‘ નામના નવા નવા કારખાના અને લારી ગલ્લા ખુલતા જાય છે; પણ આત્મસન્માન, આત્મગૌરવ, પરસન્માન-પરગૌરવ અને આત્મ પ્રત્યય ધરાવતા શ્રેષ્ઠ માણસો તૈયાર થતા નથી. અભ્યાસક્રમનો એ વિષય જ રહ્યો નથી કારણ કે શિક્ષણનો સમગ્ર દોર શિક્ષણશાસ્ત્રીઓને બદલે ઉદ્યોગપતિઓના હાથમાં ચાલ્યો ગયો છે. બીજાની અગવડનો મારે કેવી રીતે લાભ લેવો, શું કરવાથી બીજાના પૈસા મારા ગજવામાં આવે, બીજાની પત્ની કે પ્રેમિકાને હું કેવી રીતે મારી કરી શકું એવી બેશરમ વૃત્તિ ધરાવતો સમાજ તૈયાર થઈ રહ્યો છે અને સજ્જનો માથે હાથ દઈને બેઠા છે; એ આપણા સમાજની કરુણતા છે.
કવિ કહે છે તેમ, ‘કીડી મંકોડાને ચિંતા ક્યાં હોય છે, કોણ મારી દીકરીને પરણે? ઈર્ષ્યા આવે દોસ્ત! એ રીતે ઊજવે છે એ લોકો એમની હયાતિ!‘ – આપણી જિંદગીમાં ગૌરવ લેવા જેવું શું છે? ઈર્ષ્યા આવે એવી જિંદગી તો કૃમિ કીટકોની છે. સાચું જ કહ્યું છે, ‘આપણને નહીં, એ લોકોને જોઈને ઈશ્વરની છાતી ફૂલાતી.
સ્ત્રોત્ર : ઉમાશંકર જોશી ના પુસ્તક માંથી.
Discover more from 9Mood
Subscribe to get the latest posts sent to your email.
0 Comments