એક વાર કૂટદંત નામે એક બ્રાહ્મણ એ વિષે બુદ્ધની સાથે ચર્ચા કરવા આવ્યો. એણે બુદ્ધને પૂછ્યું, "શ્રેષ્ઠ યજ્ઞ કયો, અને તેનો વિધિ શો ?"
"બુદ્ધ બોલ્યા :
પ્રાચીન કાળમાં મહાવિજિત નામે એક મોટો રાજા થઇ ગયો. એણે એક દિવસ વિચાર્યું, 'મારી પાસે પુષ્કળ સંપત્તિ છે. એકાદ મહાયજ્ઞ કરવામાં તેનો હું વ્યય કરૂં તો મને ઘણું પુણ્ય લાગશે.' એણે એ વિચાર પોતાના પુરોહિતને જણાવ્યો.
પુરોહિતે કહ્યું, 'મહારાજ, હાલ આપણા રાજ્યમાં શાન્તિ નથી. ગામો અને શહેરોમાં ધાડો પડે છે; લોકોને ચોરોનો બહુ ત્રાસ છે. આવી સ્થિતિમાં લોકો ઉપર (યજ્ઞ માટે) કર બેસાડવાથી આપ કર્તવ્ય વિમુખ થશો. કદાચ આપને એમ લાગશે કે ધાડપાડુ અને ચોરોને ફાંસીએ ચડાવવાથી, કેદ કરવાથી કે દેશપાર કરવાથી શાન્તિ સ્થાપી શકાશે; પણ તે ભૂલ છે. એ રીતે રાજ્યની અંધાધુંધીનો નાશ નહિ થાય; કેમકે એ ઉપાયથી જે તાબામાં નહિ આવે તે ફરીથી બંડો કરશે.
હવે એ તોફાન શમાવવાનો ખરો ઉપાય કહું. આપણા રાજ્યમાં જે લોકો ખેતી કરવા ઇચ્છે છે તેને આપે બીજ વગેરે પૂરાં પાડવાં; જે વ્યાપાર કરવા ઇચ્છે છે તેને મુડી પૂરી પાડવી; જે સરકારી નોકરી કરવા ઇચ્છે છે તેને યોગ્ય વેતન આપી યોગ્ય કામ પર તેની નીમણુક કરવી. આવી રીતે સર્વ લોકોને તેમને યોગ્ય કામ મળવાથી એ લોકો તોફાન નહિ કરે. વખતસર કર મળવાથી આપની તીજોરી તર થશે. લૂંટફાટનો ભય ન રહેવાથી લોક બાળબચ્ચાંના કોડ પૂરા પાડી ઉઘાડા દરવાજા રાખી આનંદથી સુઇ શકશે.'
રાજાને પુરોહિતનો વિચાર બહુજ ગમ્યો. એણે તુર્તજ એ પ્રમાણે વ્યવસ્થા કરી. આને લીધે થોડા કાળમાં રાજ્યમાં સમૃદ્ધિ વધી ગઈ. લોકો અતિ આનંદથી રહેવા લાગ્યા.
એટલે વળી રાજાએ પુરોહિતને બોલાવી કહ્યું, 'હે પુરોહિત, હવે મને મહાયજ્ઞ કરવાની ઇચ્છા છે, માટે મને યોગ્ય સલાહ આપો.'
પુરોહિત બોલ્યો, 'મહાયજ્ઞ કરવાનો નિશ્ચય કર્યા પહેલાં આપણે પ્રજાની અનુમતિ લેવી યોગ્ય છે. માટે જાહેરનામાં ચોંટાડી આપણે પ્રજાની સંમતિ મેળવીયે એ ઠીક છે.' પુરોહિતના કહેવા પ્રમાણે રાજાએ જાહેરનામાં ચોંટાડી પ્રજાને પોતાનો અભિપ્રાય નિર્ભયતાથી અને સ્પષ્ટપણે જણવવા કહ્યું. સર્વેએ અનુકૂળ મત આપ્યો.
ત્યારે પુરોહિતે યજ્ઞની બધી તૈયારી કરી રાજાને કહ્યું, 'મહારાજ યજ્ઞ કરતાં મારૂં કેટલું ધન ખર્ચાઈ જશે એવો વિચાર પણ આપે મનમાં ન લાવવો જોઇયે; યજ્ઞ ચાલતાં બહુ ખર્ચ થાય છે એવો વિચાર ન લાવવો જોઇયે. યજ્ઞ પૂરો થયા પછી બહુ ખર્ચ થઈ ગયું એવો વિચાર ન લાવવો જોઇયે.
આપના યજ્ઞમાં સારા-નરસા સર્વે પ્રકારના માણસો આવશે, પણ કેવળ સત્પુરુષોના ઉપર જ દૃષ્ટિ રાખી આપે યજ્ઞ કરવો જોઇયે, અને ચિત્તને પ્રસન્ન રાખવું જોઇયે.'
આ રાજાના યજ્ઞમાં ગાય, બકરાં, મેંઢાં ઈત્યાદિ પ્રાણી મારવામાં આવ્યાં નહિ. ઝાડો ઉખેડીને તેના સ્થંભ બાંધવામાં આવ્યા નહિ. નોકરોને અને એ મજુરોને જબરદસ્તીથી કામે લગાડવામાં આવ્યા નહિ. જેમની ઈચ્છામાં આવ્યું તેમણે કામ કર્યું; જેમને ન પાલવ્યું તેમણે ન કર્યું. ઘી, તેલ, માખણ, દહીં, મધ અને ગોળ એટલાજ પદાર્થોથી યજ્ઞ પૂર્ણ કરવામાં આવ્યો.
ત્યાર પછી રાજ્યના શ્રીમંત લોકો મોટમોટાં નજરાણાં લાવ્યા. પણ રાજાએ તેમને કહ્યું,
'ગૃહસ્થો, મને તમારૂં નજરાણું નહિ જોઇયે, ધાર્મિક કરથી ભેગું થયેલું મારી પાસે પુષ્કળ ધન છે. એમાંથી તમને જો કાંઈ જોઈતું હોય તો ખુશીથી લઈ જાઓ.'આ પ્રમાણે રાજાએ નજરાણું ન સ્વીકારવાથી એ લોકોએ આંધળા, લૂલા વગેરે અનાથ લોકો માટે મહાવિજિતની યજ્ઞશાળાની આસપાસ ચારે દિશામાં ધર્મશાળાઓ બાંધવામાં અને ગરીબોને દાન આપવામાં એ દ્રવ્ય ખર્ચ્યું.
આ વાત સાંભળી કૂટદન્ત અને બીજા બ્રાહ્મણો બોલ્યા, "બહુ જ સુંદર યજ્ઞ ! બહુ જ સુંદર યજ્ઞ !"
પછી બુદ્ધે કૂટદન્તને પોતાના ધર્મનો ઉપદેશ કર્યો. ઉપદેશ સાંભળીને એ બુદ્ધનો ઉપાસક થયો અને બોલ્યો, "આજે હું સાતસેં બળદ, સાતસેં વાછડાં, સાતસેં વાછડી, સાત્સેં બકરાં અને સાતસેં મેઢાંને યજ્ઞસ્તંભથી છોડી મૂકું છું.હું એમને જીવિતદાન આપું છું. તાજું ઘાસ ખાઇ અને થંડું પાણી પી શીતળ હવામાં એ આનંદથી ફરો."
Discover more from 9Mood
Subscribe to get the latest posts sent to your email.
0 Comments